નાનું બચ્ચું કેશ–કર્તન કરાવવા(વાળ કપાવવા) બેઠું.
“કાનપટ્ટી અને બોચી પર નંબર 2, સાઇડ–બર્ન પર નંબર 1 અને ઉપર નંબર 4 અથવા શક્ય હોય એટલો મોટો નંબર વાપરજો. ” – જેટલો મોટો નંબર એટલા મોટા વાળ રહે એવી પાકી ખાતરી કર્યા પછી બચ્ચન ફાંકડા અંગ્રેજીમાં બોલ્યો.
મને હસવું આવી ગયું. કારણ, આ બે પેઢીઓ વચ્ચેનું સૂક્ષ્મ ઘર્ષણ હતું.
માલી, બુઢ્ઢા ઘર પે હૈ?
તુમ્હે કૈસે પતા ચલા, ભવાનીશંકર બુઢ્ઢા હૈ?
જીસ કા નામ ભવાનીશંકર હો, વો તો પૈદા હોતે હી બુઢ્ઢા હૈ
“લકી” એના મોટા વાળમાં કાંસકો ફેરવતાં નહતો બોલ્યો? ઉપરાંત મને મારું બાળપણ યાદ આવ્યું
નાનો હતો ત્યારે રવિવારે પપ્પા મને કેશ–કર્તન માટે ‘ચંદન‘ ની બાજુમાં વાળંદભાઇની દુકાને લઇ જતા. મોટી ખુરશીના બંન્ને હાથા પર પાટીયું મૂકી, વાળંદભાઇ અમને સિંહાસને બેસાડતા. મનમાં તો એવું બહુ થતું કે મુદ્દામાલ કેવો જોઇએ છે એનો ઓર્ડર ખૂદ ગબ્બર જ આપે, પણ ચતુર વાળંદભાઇ, ગબ્બરને તો ગણકાર તો જ નહીં અને ‘રિસ્તેમેં તો હમ તુમ્હારે બાપ લગતેં હૈ‘ એ નાતે વાળ કેવા કાપવા છે એ ‘શહેનશાહન‘ ને જ પૂછી લેતો. જગતનો કયો ‘શહેનશાહ‘ વાળ મોટા રાખવાની છૂટ આપે? આ ‘ગબ્બર‘ ચૂમઇને મોટા થવાની રાહ જોતો.
“હોશ સંભાલતે હી, અપને પૈરોં પે ખડે હો ગયે” (વિરુ ઉવાચ) – જ્યારે પહેલી–પહેલી વાર જાતે, ‘શહેનશાહ‘ વગર, એના એ જ વાળંદભાઇ પાસે કેશ–કર્તન કરાવવા ગયો ત્યારે મેં પણ વાળ મોટા રાખવાનું કીધું હતું. પણ આદતસે મજબૂર કે પછી શહેનશાહને ઓળખતો હશે એટલે – જે હોય તે, પણ એ વાળ તો ટૂંકા જ કાપતો. આવું ઘણીવાર થયું એટલે હવે વાળંદભાઇ ‘અપગ્રેડ‘ કર્યા, અને મ્યુઝીક સેંટરની બાજુવાળા ‘રુપાલી‘ ને ત્યાં જવાનું ચાલુ કર્યું.
રુપાલીવાળો સારી કેશકલા કરતો, પણ મોંઘો હતો – મને પરવડે તેમ ન હતો. એટલે ગામનાં લગભગ બધા વાળંદભાઇઓને ત્યાં જઇ આવ્યો હોઇશ. યુવાનીમાં પાછો ટેસ્ટ બદલાયો અને વાળ ટૂંકા જ રાખવાનું નક્કી કર્યું. જીગાએ એકવાર માહિતી આપી કે ‘વિષ્ણુપ્રિયા‘ વાળોસારો છે – એટલે થોડો લાભ એને પણ આપ્યો.
અહીં આવ્યા પછીતો કેશકલા મોંઘી બહુ લાગી. શરુઆતનાં વર્ષોમાં કુપનોનો વેંત પડતો ત્યારે વાળ કપાવી આવતો. તેમાંય વળી વર્જીનીયા રહેવા ગયો ત્યાં તો કુપનોનો પણ મેળ પડતો નહતો, એટલે 15-17 ડોલરમાં દર 2-3 વિકમાં મૂંડાવવાનું આકરું લાગતું.
એકવાર એમ.એસ. કરતો મિત્ર, અ.ઠા., સમગ્ર માથા પર ટૂંકી અને એક જ સાઇઝની કેશકલા કરાવી લાવ્યો – આપણને ગમી ગઇ. તપાસ કરતાં ખબર પડી કે એક સારું મશીન ખરીદીને જાતે જ હાથ–મહેનત કરી છે. હાથે વાળ કાપવાની સુંદર ટીપ્સ એની પાસેથી મેળવી, પણ એ વર્ષોમાં વાળ હાથે કાપવાની હિંમત ન કરી.
અહી બીજી ઇનીંગ રમવા ફરી આવવાનું થયું, ત્યારે તો ગાંધીજીની આત્મકથા પણ વાંચી હતી અને શ્રી. સદ્ ગુરુનું જીવનચર્યન સાથે જ હતું. લોકલાજને બાજુએ મૂકી, હું પણ ત્યારથી જાતે જ વાળ કાપતો થઇ ગયો. હવે થોડી ફાવટ આવી છે અને નાના બચ્ચનની બાબરી ઊતરાવ્યા પછી હું જ તેના વાળ કાપુ છું. એકવારની મારી એક જોબ પર એક અમેરીકી કાકા, ઘણા વર્ષોથી, જાતે જ એમના વાળ કાપતા. એ એમ કહેતાં કે હાથે વાળ કાપવામાં તેમણે એટલા પૈસા બચાવ્યા છે કે એમાંથી એક સેકંડ–હેંડ ગાડી તો આરામથી ખરીદી શકાય.
હમણાં શ્રાધ્ધપક્ષની શરુઆતમાં મને સંપૂર્ણ મૂંડન કરવાનો વિચાર આવ્યો. એ બાબતે શ્રીમતિનાં વિરોધને ધ્યાનમાં લઇ કોમ્પ્રોમાઇઝ તરીકે નંબર 2 મશીન આખા માથે ફેરવી નાંખ્યું. ભગવાને અમને વાળની વિપુલ સમૃધ્ધિ આપી છે – ‘આજ કટી, પરસો તૈયાર‘, એટલે છાશવારે અમારે વાળ કાપવા પડે છે.
“હા, હા મોટા જ રાખીશ” – કહી મેં બચ્ચનનાં વાળ ટૂંકા કરી નાંખ્યા.
ઇતિહાસ પણ જાણે પૂનરાવર્તિત થવા આતૂર હોય એમ નાનો બચ્ચન પણ હવે ‘હોશ સંભાલને તક જ‘ શહેનશાહનું સાંભળશે. પછી તો એ ય કોઇ રુપાલીને કે વિષ્ણુપ્રિયાને શોધશે.
પહેલાં ટૂંકા, પછી લાંબા, પછી ટૂંકા, પછી મૂંડન, પછી માથે–વાળ–હોય–કે–ના–હોય–કોઇ–ફરક–પડતો–નથી એ સ્થિતી સુધીની સફર ચાલુ છે…. એ રામ રામ ત્યારે.